Pranlal vyas wiki

- એ ‘પ્રાણ’ હતા લોક સંગીતનાં...
- ‘પંડ નાનું અવાજ પહાડી, તાલ સુરની જાણ, સોરઠનાં સિંહ જેવો આ કલાકાર પ્રાણ’
- ૧૫ વર્ષની વયે ‘તબલાં’ સાથે શરૂ થયેલી પ્રાણલાલ વ્યાસની ‘સૂર સફર’

ગુજરાતી લોક સાહિત્યનાં અનેક ભજનો, ગઝલો કવ્વાલી, ને એક અનોખા અંદાજ અને અવાજમાં શ્રોતાઓ સમક્ષ રજૂ કરનાર એક અદનાં કલાકાર પ્રાણલાલ વ્યાસે આજે આ ફાની દુનિયા છોડી દીધી.

૧૯ મે, ૧૯૪૧ નાં રોજ જન્મેલા પ્રાણલાલ પ્રેમશંકર વ્યાસનું વતન જેતલસર. પરંતુ પિતા માણાવદરમાં પોષ્ટમાસ્તર હતા. તેમની ‘સૂર’ સાથેની યાત્રા પણ અહીંથી જ શરૂ થઇ. માણાવદરમાં આવતા માર્ગી સાધુઓ ભજન કરતા તેમાં પ્રાણલાલભાઇ તબલાં વગાડતાં. તેમની કારકિર્દી આ રીતે શરૂ થયેલી. માત્ર ચાર ચોપડી ભણેલા પ્રાણલાલ વ્યાસે રાજકોટની હેમુ ગઢવી એકેડેમીમાં સંગીતની પ્રાથમિક તાલીમ લીધી હતી.

બહુ ઓછા કલાકારો ‘એકતારા’ પર ભજન ગાઇ શકે છે.

પ્રાણલાલ વ્યાસ તેમાંનાં એક હતા. ૨૦ વર્ષની વયથી તેમણે જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી. પરંતુ સંતવાણીનાં કાર્યક્રમોમાં સૌથી વધુ ‘યારી’ આપી કચ્છની ધરતીએ.

તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું. જેમાં ‘ગોરા કુંભાર’, ‘શેઠ સગાળશા’, ‘જેસલ તોરલ’, વગેરે ફિલ્મોમાં ગાયેલાં ગીતો લોકજીભે રમતાં થયાં હતાં. તેમાંયે ‘ગોરા કુંભાર’નું ‘ઘડવૈયા મારે પ્રભુજી નથી થાવું’ તેમની કારકિર્દીમાં ‘સુપર ડુપર હીટ’ રહ્યું.

ઓડીયો કેસેટોનાં જમાનામાં તેમનાં આલ્બમોની કેસેટો દોઢ લાખથી વધુ ગુજરાતી ઘરોમાં ગુંજતી રહી હતી. પ્રાણલાલભાઇએ પોતાની કારકિર્દી દરમ્યાન દીવાળીબેન ભીલ, દમયંતિબેન બરડાઇ, ભારતીબેન કુંચાલા અને મીનાબેન પટેલ એમ ચાર ગાયિકાઓ સાથે સ્ટેજ પર ગાયું છે. કચ્છમાં ‘સત્તાપીર’ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનાં એ વખતનાં ‘દિગ્ગજપ્ત ભજનિકો નારાયણ સ્વામી અને પ્રાણલાલ વ્યાસનાં કાર્યક્રમમાં રાત્રે ૯:૩૦ થી લઇ છેક સવારે ૮ વાગ્યા સુધી શ્રોતાઓ ‘ઉઠ્યા’ નહોતા.

ભોળાનાથનું નામ લેતાં મારું મૃત્યુ થશે –

મારું મૃત્યુ સહજ હશે.

અને ભોળાનાથનું સ્મરણ કરતાં-કરતાં થશે. એ વાત એક વખત તેમણે પોતાનાં સ્નેહી મિત્ર રાજુ ભટ્ટને કહેલી. આ વાત આજે અક્ષરશ: સાચી પડી એમ રાજુ ભટ્ટે દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું.

પાંચ દાયકામાં મહાશિવરાત્રિનો એકપણ મેળો નથી ચૂક્યા –

૨૦ વર્ષની વયે જૂનાગઢ આવેલા પ્રાણલાલ વ્યાસ મહાશિવરાત્રિમાં અચૂક ભજનો ગાવા જતા.

પેટ્રોમેકસ, ફાનસનાં અજવાળે રાવટીમાં ગવાતાં ભજનોથી માંડી આજ સુધી તેઓ એકપણ મહાશિવરાત્રિનો મેળો ચૂક્યા નથી. તેમનાં સૂરની તાકાત એવી હતી કે રાત્રે ૧૦ થી સવારે ૮ વાગ્યા સુધી કોઇ પોતાની જગ્યાએથી ઉઠતું પણ નહી.

મોરારિબાપુનાં સાન્નિધ્યમાં રહેવાની ઇચ્છા –

પ્રાણલાલભાઇ નવરાશનાં સમયે મોરારિબાપુનાં સાન્નિધ્યમાં રહેવાની અને તેમને મળવાની ઇચ્છા ધરાવતા હતા.

ન.મો.

નાં હસ્તે એવોર્ડ –

બે વર્ષ પહેલાં પ્રાણલાલ વ્યાસને ગુજરાતી ફિલ્મ ‘ચૂંદડી ઓઢાડું મારા રાજપ્તમાં પ્લેબેક બદલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે એવોર્ડ મળ્યો હતો. તેમને અત્યાર સુધીમાં ૨૧ જેટલી ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક માટે એવોર્ડ મળ્યા છે.

પાંચ દેશોમાં કર્યા ‘તા કાર્યક્રમો -

પ્રાણલાલભાઇએ ભારતભરનાં મોટાભાગનાં શહેરો ઉપરાંત અમેરિકા, મસ્કત, દુબઇ, આફ્રિકા અને લંડનમાં કાર્યક્રમો આપ્યાં છ ે.

તેમાંયે મુંબઇનાં રાજાવાડીમાં તો ૧ લાખ પ્રેક્ષકોએ આખી રાત તેમનાં કંઠને ‘માણ્યો’ હતો. એમ તેમનાં સ્નેહી રાજુ ભટ્ટે જણાવ્યું હતું.

સાતેય પ્રકારનાં ભજનોનાં જાણકાર હતા પ્રાણલાલ –

પ્રાણભાઇ ભજનોનાં વિવિધ સાતેય પ્રકારો પરજ, રામગ્રી, પ્રભાતિયાં, આરાધ, વગેરેનાં તેઓ જાણકાર હતા.

અંતિમ કાર્યક્રમ સાથી બેન્જોવાદકને ત્યાં -

પ્રાણભાઇની સાથેનાં બેન્જોવાદક બાબુભાઇની પુત્રીની ક્રિયા નિમિત્તે થોડા દિવસ પહેલાં યોજાયેલો કાર્યક્રમ તેમનો અંતિમ કાર્યક્રમ બની રહ્યો.

એ કાર્યક્રમમાં તેમણે ‘લેણાદેણીની વાતું આ નથી હમજાતું, આ બધી લેણાદેણીની છે વાતું’ અને ‘કોઇ આયે કોઇ જાયે, યે તમાશા ક્યા હૈ’ નામની ગઝલ ગાઇ હતી. એમ તેમનાં સાથી કલાકારે જણાવ્યું હતું.

તબલાંની સાથે ઢોલકને પણ અપાવ્યું સંતવાણીમાં સ્થાન –

પ્રાણલાલભાઇએ ભજનો ગાવાની શરૂઆત કરી એ વખતે સંતવાણી કાર્યક્રમોનાં વાધ્યોમાં તબલાંનો જ ઉપયોગ થતો.

પરંતુ તેમણે ઢોલકને પણ વાધ્યોમાં સ્થાન અપાવ્યું. ‘ઢોલકનું ધીંગાણું’ હાજી રમકડુંનાં પિતા કાસમબાપા તેમની સાથે ઢોલક વગાડતા. બાદમાં હાજી રમકડુંએ ઢોલકની થાપ સાથે પોતાની આખી કારકિર્દી તેમની સાથેજ શરૂ કરી.

તેના બદલે મારે આવવુ પડ્યું: પૂ. મોરારિબાપુ

જીવન-મરણ વિધાતાનાં હાથમાં છે. એ મને મળવા આવવાનાં હતા.

પરંતુ આજે એ દિવંગત ચેતનાને વંદન કરવા મારે આવવું પડ્યું છે. પ્રાણલાલ વ્યાસનાં સંગીત, તેમનાં પરિવારજનોને વંદન કરું છું. તેઓ શ્રાવણનાં પ્રથમ સોમવારે જ શિવધામમાં પહોંચય છે. તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અપુઁ છું.

આ કલાકારનો તો વિકલ્પ જ નથી : ભીખુદાન ગઢવી

લોકસંગીત, ભજન, કવ્વાલી અને ગઝલનાં જગતમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

મારી અને દીવાળીબેનની કારકિર્દીમાં પ્રાણભાઇનો મોટો ફાળો રહ્યો છે. અરે, તેણે અમને સ્ટેજ પૂરું પાડ્યું છે. આ કલાકારનો તો વિકલ્પ જ નથી. એક જ માણસ સાંજનાં ૯ વાગ્યાથી બેસે અને શ્રોતાઓ સવાર સુધી ઉઠવાનું નામ ન લે એ અવાજ પ્રાણભાઇ પાસે હતો. એમણે ગાયેલાં અનેક ભજનોનો અવાજ આજે પણ કાનમાં ગુંજયા કરે છે.

એ દિવસો ક્યારેય નહીં ભૂલાય : દીવાળીબેન ભીલ

મહાશિવરાત્રિનાં મેળામાં હું, પ્રાણભાઇ, કનુભાઇ બારોટ રાતિયાસાહેબનાં ઉતારે ભજનો ગાતા.

શેઠ સગાળશા ફિલ્મમાં નટવર નાના રે... ગીત અમે ગાયેલું. એ દિવસો ક્યારેય નહીં ભૂલાય.

તેઓ બોલી ન શકે પણ આખી રાત ગાઇ શકે: પ્રફૂલ દવે

કોઇપણ જાતનાં માધ્યમ વગર ‘માઉથ પબિ્લસીટી’ અને પોતાનાં ‘ગળા’થી પ્રસિદ્ધ થયેલા લોક કલાકારો બહુ ઓછા છે. બોલવાનું કહો તો તેઓ બોલી ન શકે પણ આખી રાત તેઓ ગાઇ શકતા.

કચ્છની ધરતી મને પહેલી વખત બતાવનાર પ્રાણલાલ વ્યાસ. તેમનાં વિશે વિચારું તો કલાકોનાં કલાકો વિચારી શકું. તેમનો હવેનો જન્મ પણ કલાકારનો જ હશે.

અમારો ‘ખજાનો’ ‘લૂટાઇ’ ગયો : હાજી રમકડું

પ્રાણભાઇએ પ્રાણ છોડ્યા એ સાથે જ અમારી પેઢીનો ખજાનો લૂટાઇ ગયો. અમારા એ ભિષ્મ પિતામહ હતા. મારા માટે તો પિતા, ગુરૂ, બધું એ જ હતું. મારી જીંદગીનું પણ પૂરું થઇ ગયું.

હું અમદાવાદ હતો. સમાચાર મળતાં જ તરત નીકળી ગયો. બસ, બધું લૂંટાઇ ગયું...

તેઓ અમારા ‘બીગ બી’ હતા : સાંઇરામ દવે

તેઓ તો અમારા ‘સુપરસ્ટાર અમિતાભ બચ્ચન’ ‘બીગ બી’ હતા. તેઓ એવા કલાકાર હતા કે તેમની ‘નકલ’ કરતાં પણ કોઇને ન આવડે. લોક સાહિત્યનાં દરેક કલાકાર તેમનાં જેવા બનવાનું વિચારતા હોય છે.

શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આવું રૂડું ‘મોત’ બીજું કર્યું હોઇ શકે ?

ગંધર્વ લોકનાં આ પુરૂષને ભગવાન શિવ સદગતિ આપે : નિરંજન પંડ્યા

મારી ૫૮ વર્ષની ઉંમરમાં અગાઉ, હાલ અને ભવિષ્યમાં કલાકાર આવો ‘જમાનો લ્યે’ અને લોકપ્રિય બને એવું ભૂતો ન ભવિષ્યતિ. શ્રાવણમાં ‘શ્રાવણિયો સોમવાર’, દામોદર કુંડનો કાંઠો, નરસૈંયાની ભૂમિ અને મહાદેવ જ્યાં વસે એવું સ્મશાન અને પૂ.

મોરારીબાપુ જેવા સંતની શ્રદ્ધાંજલિ, આ જીવનભર કરેલાં ‘ભજન’નું ફળ સિવાય અશક્ય છે.